સીતા સ્વયંવર- ગુજરાતી રામાયણ નો ભાગ (Sita Swayamvar- Part of Gujarati Ramayana)

By | January 18, 2021

આજ નો આ ભાગ દિવ્ય દ્રષ્ટિ મિલન પછી નું સીતા સ્વયંવર વિષે નો છે જેમાં તમને ખુબ મજા આવશે અને આ ભાગ પણ રસપ્રદ છે. એમાં ભગવાન રામ અને માતા સીતા ના સ્વયંવર માં બાબતો બનેલી છે તેનો ટૂંક માં ભાવાર્થ દર્શવાયેલો છે. તમને ગુજરાતી રામાયણ ના બીજા ભાગ અમારા બ્લોગ માં મેળી જશે, જેના માટે તમારે હોમ પેજ માં જવાનું રહેશે.

સીતા સ્વયંવર (Sita Swayamvar- Gujarati Ramayana)

જનકરાજાના ધનુષ્યયજ્ઞમાંથી પરશુરામ જતાં સભામાં રાહત અને આનંદની લાગણી છવાઈ ગઈ. રાણી સુનયના અને સીતાજી તથા તેમની સખીઓ તથા સ્ત્રીવૃંદ હર્ષોલ્લાસથી મંગળગીતો ગાવા લાગ્યાં. રાજા જનકે વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને કહ્યું, “પ્રભુની કૃપાથી શ્રીરામજીએ ધનુષ્ય તોડ્યું છે અને બન્ને ભાઈઓએ મને કૃતાર્થ કર્યો છે. હવે જે ઉચિત હોય તે કહો.” મુનિએ કહ્યું, “હે રાજન, આ ધનુષ્યયેશ વિવાહને ઉદ્દેશીને હતો. દેવી, ઋષિઓ, મનુષ્ય, નાગ સર્વે આ વાત જાણે છે. માટે આપના કુળના વડીલો પાસે જઈ જે વ્યવહાર થતો હોય તે વ્યવહારનું આચરણ કરો.”

જનકરાજાએ પોતાના દૂતને બોલાવી અયોધ્યાપુરી – રાજા દશરથને ચિઠ્ઠી મોકલી જાન લઈ આવવા નિમંત્રણ મોકલ્યું. પછી રાજાએ પોતાના મહાજનો, કારીગરોને બોલાવીનગરીને શોભાયમાન કરવાનો આદેશ આપ્યો. રાજાએ વિશ્વકર્માના પુત્રો જેવા કારીગરોને બોલાવીનગરીને શોભાવવાનો આદેશ આપ્યો. તેમણે બ્રહ્માનું પૂજન કરી નગરીને શોભાવવાની શરૂઆત કરી. પ્રથમ તેમણે સોનાના કેળના થાંભલા લીલા મણિઓના પાન અને ફળ બનાવ્યાં. પદ્મરાગ મણિઓના ફૂલ બનાવ્યાં.

લીલા મણિઓના વાંસ, સોનાની સુંદર નાગરવેલની વેલીઓ, મોતીઓની સુંદર ઝાલરો, માણેક, પન્ના, હીરા, પીરોજા રત્નોને ફાડી તેના કમળો બનાવ્યાં. ભ્રમર, પક્ષીઓ તથા ઘણા રંગોના મોર બનાવ્યા. નીલમણિને કોતરી આંબાના પાન બનાવ્યાં. સુંદર સ્વાગત દ્વાર બનાવ્યાં. અનેક મંગળ કળશ, સુંદર ધજા પતાકા, પરદા ચામર બનાવ્યાં. મણિઓના સુંદર દીપકો બનાવ્યા. સોનાના મધૂર બનાવ્યા. મહેલોને મણિરત્નોથી ઝાકઝમાળ કરી દીધા.

આમંત્રિતો માટે, જાન માટેના ભવ્ય ઉતારા મહેલોથી અધિક સુંદર બનાવ્યા. દેવ-દેવીઓની આકર્ષક સોનાની મૂર્તિઓ બનાવી મહેલના બગીચાઓમાં જડી દીધી. નયનરમ્ય ઉપવનો, સરોવરો તથા નૃત્યગાનના સામિયાણા ઊભા કર્યા. જમવા માટે મોટા ભોજનાલયોને નયનરમ્ય રંગોમાં સજાવ્યા. ધરતી ઉપર રંગોની એવી રહસ્ય જમાવટ કરી કે જ્યાં તમે જમીન જુઓ ત્યાં પાણી હોય, જ્યાં પાણી જુઓ ત્યાં જમીન હોય.

જનકારાજાનો સંત્રી અયોધ્યા પહોંચતા દશરથજીને જનકપુરના રાજા જનકજીની ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચતા દશરથજીને હરખ સમાતો નથી. છતાં પણ તેઓએ સંત્રીને પૂછ્યું, “મારા પુત્રો ક્ષેમકુશળ છે. તેઓ કયા દેશમાં છે?” સંત્રીએ સર્વે ક્ષેમકુશળતા પૂછી અને જનકપુરના સર્વ પ્રસંગની વાત શરૂથી અંત સુધીની કહી અને દશરથજીને જાન લઈને જનકપુર આવવાનું નિમંત્રણ આપ્યું.

દશરથજીએ આવેલ સંત્રીને અનેક ભેટ સોગાદો તથા મણિમાળાઓ આપી ખુશ કર્યો. દશરથજીએ રાણીઓના અંતઃપુરમાં જઈ ચિઠ્ઠી વાંચી. પુત્રોના ક્ષેમકુશળતાના સમાચાર આપ્યા તથા જાન લઈને જવાના સમાચાર આપ્યા. માતા કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી સમાચાર સાંભળી આનંદિત થઈ ગયાં. ભાઈઓના કુશળ સમાચાર સાંભળી ભરત-શત્રુઘ્નની ખુશીનો કોઈ પાર રહ્યો નહિ.

રાજાએ આ ચિટ્ટી ગુરુ વશિષ્ઠજીને આપી. વશિષ્ઠ મલકાયા અને રાજાને કહ્યું, “જાનની તૈયારી કરો અને જનકપુરી ચાલો.” રાજાએ તથા રાણીએ આનંદના સમાચારથી બ્રાહ્મણોને ખૂબ દાન-દક્ષિણા આપી અને મંત્રીઓને જાનની તૈયારી કરવાનો આદેશ આપ્યો. નગરીમાં ઠેર ઠેર ધજા, પતાકા, મંગલ-તોરણો, બંધાવા લાગ્યાં. લોકોએ ઘરના આંગણામાં ચંદન, કેસર, કસ્તૂરી, કપુરના ચૉક પૂર્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓ સોળે શણગાર સજી- ધજીને નગરીમાં ટોળે-ટોળાં ઊભરાવા લાગ્યાં.

રાજ્યના મંત્રીઓ, સંત્રીઓ, સેવકો જાનની તૈયારી કરવા લાગ્યા. સારથિઓ રથોને ધ્વજ, પતાકા, મણિના આભૂષણો, ઝાલરોથી સજાવવા લાગ્યા. શ્યામકર્ણ ઘોડાઓને રથ સાથે જોડવામાં આવ્યા. શ્રેષ્ઠ હાથીઓ ઉપર અંબાડીઓ સજાવવામાં આવી. હાથીઓના ગળામાં સોનાના અને ત્રાંબાના ઘંટો બાંધવામાં આવ્યા.

જાનમાં મગધ, ભૂત, ભાટ, ચારણ, ગવૈયા, નર્તકીઓ પણ જોડાઈ ગયા. જાનમાં ચાર રથોને અધિક સુંદરતા અપાઈ હતી. જેમાં પ્રથમ રત્નો અને મોતીઓથી શણગારેલા રથમાં ગુરુ વશિષ્ઠજીને આસન આપ્યાં. બીજો હીરા, પન્ના, નિલમથી શણગારેલો રથ તેમાં રાજા દશરથજી બિરાજમાન થયા.

ત્રીજો રથ પોખરાજ, ગોદમર્ણિ અને સોનાની કોતરણીવાળા રથમાં માતા કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી બિરાજમાન થયાં. ચોથો રથ હીરા, પન્ના, પરવાળા અને આયુધોની કૃતિઓને સોનામાં જડેલ રથમાં ભારત અને શત્રુઘ્ન બિરાજમાન થયા. રાજા દશરથજીએ શ્રીરામચંદ્રજીને યાદ કરી ગુરુ વશિષ્ઠજીની રજા લઈને શંખ વગાડીને જાનને ચાલવાનો આદેશ આપ્યો. જનકપુરમાં જાન વાજતે-ગાજતે પહોંચી ગઈ. રાજા જનકજીએ જાનનું ખૂબ સ્વાગત કરી ઉત્તમ મહેલમાં ઉતારા આપ્યા. ઉતારા ઉપર રાજા જનકજી, રાજા દશરથજી, વિશ્વામિત્ર, વશિષ્ઠજી, શતાનંદજી, શ્રીરામજી, શ્રીલક્ષ્મણજી, ભરત, શત્રુઘ્ન સર્વે એકબીજાને અરસ-પરસ મળે છે અને હર્ષનાં અશ્રુઓથી એકબીજાને ભેટે છે અને શુભ સમાચારો એકબીજાને પૂછે છે.

સીતાજીએ જાન જનકપુરમાં આવી જાણીને પોતાનો મહિમા પ્રકટ કરીને દેખાડ્યો. હૃદયમાં ગણેશજીનું સ્મરણ કરીને સઘળી સિધ્ધિઓને બોલાવી અને તેમને રાજા દશરથની પરોણાગત કરવા માટે મોકલી દીધા. રાણી સુનયનાજી પણ પોતાની વેવાણ કૌશલ્યા માતાને કોઈ વાતથી કમી ન રહે તેનું ધ્યાન રાખતા હતાં. દાસ-દાસીઓ, સેવકો વગેરે જાનૈયાની સેવામાં રોકાઈ ગયા હતા. જનકપુરીના નગરજનો પણ પોતાને યોગ્ય લાગતું કાર્ય જાનની સરભરામાં કરતા હતા.

સામૈયામાં આવેલ જનકપુરીના નગરજનો, ગુરુ શતાનંદજી, બ્રાહ્મણો, મંત્રીગણ, માગધ, સુત, ભાટ, ચારણ, વિદ્વાનોએ રાજા સહિત રાજા દશરથજીનો આદર-સત્કાર કર્યો. પછી આજ્ઞા લઈ તેઓ પાછા ફર્યા. શુભ મંગળોનો લગ્ન દિવસ આવી ગયો. હેમંતઋતુ, માગશર મહિનો, ગ્રહ, નક્ષત્ર, તિથિ, યોગ, વાર શ્રેષ્ઠ હતાં. પુરોહિત શતાનંદજીએ મંગળકાર્યના વિધિઓ ચાલુ કર્યા. શંખ, નગારાં, ઢોલ, ઝાંઝ વાગવા લાગ્યાં.

શ્રીરામજી અશ્વ ઉપર બિરાજમાન થઈ હાથી ચાલે જાનમાં ચાલ્યા આવે છે. ઘોડાને પણ સુંદર મોતીઓ, હીરા, માણેક જડાઉ જીન જ્યોતિથી ઝગમગી રહ્યું છે તેમાં સંકેલી સુંદર ઘૂઘરીઓ કોયલ જેવો મીઠો રણકાર કરી રહી છે. જાનની સર્વે સ્ત્રીઓ ચંદ્રમુખી તથા મૃગનયની છે. પોતાના શરીરની શોભાથી રતિના ગર્વને છોડાવનારી છે. રંગબેરંગી સુંદર સાડીઓ તથા આભૂષણો સહિત શણગાર સંજયા છે. જાનમાં પંચશબ્દ, પંચધ્વનિ, (તત્રી, તાલ, ઝાઝ, નગારાં, તુરી) પાંચ પ્રકારના વાજથી મંગળગાન ગવાય છે.

અનેક પ્રકારનાં વસ્ત્રોની જાજમો પથરાઈ ગઈ છે. રાણી સુનયના જાનની આરતી ઉતારી અર્થ આપે છે. શ્રીરામજી લગ્નમંડપમાં પ્રવેશે છે. સીતાજીને મંડપમાં લાવવામાં આવ્યાં. બન્ને કુળના કુળગુરુઓ અવસરના સર્વે વિધિ, વ્યવહાર, કુળાચાર કરે છે. બને કુળગુરુઓએ વર-કન્યાની હથેળીઓ મીલાવી હસ્તમેળાપ કર્યો. શ્રીરામજીને વરમાળા પહેરાવતા સમયે સીતાજી તેમના પ્રત્યક્ષ દર્શન કરવામાં એટલા તલ્લીન થઈ ગયાં કે તેમના હાથ વરમાળા લઈ ઊંચા થઈ શક્યા નહિ.

આથી શ્રીરામજી નીચા નમીને સીતાજીને નિરખતા સમયે જ વરમાળા પહેરાવી દીધી. ત્યારબાદ સીતાજી રામનાં ચરણસ્પર્શ કરી વંદન કરવામાં ડર અનુભવતા હતાં. કારણ કે પ્રભુના ચરણરજથી શીલા પણ અહલ્યા બની ગયાં તો હું તેમનો ચરણસ્પર્શ કરીશ તો મારું કયું સ્વરૂપ ધારણ થશે ?

આથી પ્રભુનાં ચરણસ્પર્શ કરતાં સીતાજી ખચકાતા હતાં. પરંતુ પછી પ્રેમથી તેમનાં ચરણસ્પર્શ કર્યો. રાજા જનકજી પોતાની ત્રણ પુત્રીઓ માંડવીજી, શ્રુતકીર્તિ, ઊર્મિલાને લગ્ન મંડપમાં લાવ્યા. લક્ષ્મણજી સાથે ઊર્મિલાને, ભરતજી સાથે માંડવીજીને તથા શત્રુઘ્ન સાથે શ્રુતકીર્તિનું પાણિગ્રહણ કરાવ્યું.

આમ જનકરાજાએ પોતાની ચાર કન્યાઓ દશરથજીના ચાર પુત્રોને આપી. રાજા દશરથજી ચાર પુત્રોને-વહુઓ સાથે જોઈ ઘણા જ આનંદવિભોર થઈ ગયા. રાજા જનકજીએ રાજા દશરથજી વેવાઈને કહ્યું, “અમે આપને ચાર દીકરીઓ આપી. આપના સેવક તરીકે કહીએ છીએ કે અમારી દીકરીઓને સેવિકા જાણી અવનવી દયા કરીને પોષણ આપજો. મેં આપને અહીં બોલાવી આપને ઘણી તકલીફ આપી તે બદલ ક્ષમા કરજો.” સૂર્યકુળના ભૂષણ દશરથજીએ સર્વેને વંદન કર્યા.

Summary

માતા સુનયના સીતાજીને વારંવાર બાથ ભરીને આશીર્વાદ આપે છે, “તું સદા ય પોતાના પતિને પ્રિય થાય, તારું સૌભાગ્ય અખંડ રહે, સાસુ-સસરા-ગુરુની સેવા કરજે. પતિની આજ્ઞાનું પાલન કરજે.” માતા સુનયના દરેક પુત્રીને આ પ્રમાણે શિખામણ આપે છે. જાનની વિદાય સમયે જનકરાજા -શ્રીરામજી, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નને ખૂબ હેત કરી છાતી સરસા દબાવી ભેટીને ચુંબનો કરવા લાગ્યા. રાજા દશરથજી વેવાઈ જનકરાજા પાસે ભાવભરી વિદાય માંગી તથા જાન જનકપુરીમાંથી અયોધ્યાપુરી જવા રવાના થઈ.

One thought on “સીતા સ્વયંવર- ગુજરાતી રામાયણ નો ભાગ (Sita Swayamvar- Part of Gujarati Ramayana)

  1. Pingback: સફરજન વિશે આશ્ચર્યજનક તથ્યો (Amazing Facts About Apple In Gujarati) - Gujarati Pro

Leave a Reply

Your email address will not be published.